હવામાન વિભાગની આગાહી માછીમારોને બોલાવી લેવાયા પાછા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની રમઝટ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં વધુ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગરહવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે. અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે.
તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. તેમજ 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે.
આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં શુક્રવારે મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનુક્રમે 39 અને 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. તેમ છતાં હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારા પર ભારે વરસાદની આગાહીને પગલે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળ બંદર પર ભયજનક સૂચક સિગ્નલ નં.1લગાવાયુ છે. સમુદ્રના મોજાઓ ભારે માત્રામાં ઊંચા ઉછળી રહ્યા છે. તમામ માછીમારોને પરત બોલાવી લેવાયા છે. ત્યારે હાલ આ વિસ્તારમાં ભારે તડકો છે. આમ છતાં વરસાદની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.