હજી ગુજરાતના અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આગામી આટલા કલાકમાં જામશે વરસાદી માહોલ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ભરઉનાળે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. કેટલીક જગ્યાએ ભારે, તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ થયો છે.અમદાવાદમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઈ ગયાં છે.તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ગઈ કાલે પણ વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ વરસી શકે છે. તેમજ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.
નવી આગાહી મુજબ, ગાજવીજ વીજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગઈ 60-70 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં ક્યાંક રેડ અલર્ટ, તો ક્યાંક ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ અલર્ટ છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું.
અમદાવાદ શહેરમાં પડેલા ભાર વરસાદ બાદ પાણી નથી ઉતર્યા. તંત્ર દ્વારા સાબરમતી નદી સાથી વાસણા બેરેજમાંથી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. બેરેજની બીજી તરફના વિસ્તારો માટે ચેતવણી આપવામાં આવી હતી. આગામી સમયમાં બેરેજના વધુ દરવાજા ખોલી પાણી છોડવામાં આવશે. સાણંદ, ધંધુકા, ધોળકા, ખેડા સહિતના વિસ્તારો માટે ચેતવણી અપાઈ છે.
8 મેથી 9 મેની સવાર સુધીમાં પણ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.તો 9 મેથી 10 મે સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતનાં મોટાં ભાગનાં શહેરોમાં એક અઠવાડિયા અગાઉ 44થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી પડતી હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યા પછી તાપમાન ઘટી ગયું છે.હવામાન ખાતાની યાદી પ્રમાણે આજે ગુજરાતમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.